સમર્પણ

શ્રીમદ્દભગવદ્દગીતામાં અર્જુન પહેલાં ખૂબ બોલે છે, સવાલો કરે છે, પણ ભગવાન કૃષ્ણ એક શબ્દ કહેતા નથી. પોતાની જાતે જ અર્જુન સમર્પિત થયા પછી શ્રીકૃષ્ણએ કહેવાનું ચાલુ કર્યું. ત્યારપછી અર્જુને એકવાર પણ એવું નહોતું કહ્યું કે, મને આમ કેમ કહ્યું? કે મારો ઈગો હર્ટ થઈ ગયો કે ભગવાન પર આરોપ નહોતા નાખ્યા, કારણ કે ત્યાં સંપૂર્ણ વિશ્વાસ સાથે અર્જુનનું સાચું સમર્પણ હતું અને લડવાનું અર્જુનને યોગ્ય નહોતું લાગતું અને શ્રીકૃષ્ણ વારંવાર લડવાનું કહેતા હતા. એક વાર એવું ન કહ્યું કે, ‘કૃષ્ણ, તમે મારી સાથે ખોટા આવી ગયા કે તમારી આ વાત ખોટી છે.’ અર્જુને માત્ર સવાલો જ કર્યા અને સત્યની નજીક જવાની કોશિશ કરી. ખાસ વાત એ હતી કે અર્જુન પોતાની સૂધબૂધ ખોઈ બેઠો હતો. તેનું મનોબળ તૂટી ગયું હતું પણ એક શક્તિ હતી જે હતી શ્રવણ શક્તિ અને સત્ય જાણવાની જિજ્ઞાસા. જેમાં સંવાદ હતો, વિવાદ નહોતો. હવે આ શીખવા જેવું એટલે છે કે અત્યારે લોકો દરેક સબંધમાં હરખમાં સમર્પણ અને પ્રેમની વાતો કરે છે અને ક્રોધમાં એ જ સમર્પણ અને પ્રેમ ખોવાઈ જાય છે. વિચાર અને વાણી પર સંયમ ગુમાવીને કોઈ માધ્યમ દ્વારા મનોમન વિચાર વેરી કરી સંબંધ વીંખી નાંખે છે. આવા માણસો મેં ખૂબ જોયા છે કે જેમની પાસે એક સારો મિત્ર કે વ્યક્તિ નથી હોતો જેમાં તેને આત્મસંતોષ થાય. દોસ્તો, એટલું પાગલ માણસને પણ ખબર પડે કે, જે વસ્તુની જાણકારી નથી તે કાર્ય આપણે કરીએ તો તેમાં નુકશાન થવાનું એમાં કોઈ શંકા નથી. એવી જ રીતે, પ્રેમ, ભાવ, સમર્પણ, દયા, કરુણા, સત્ય આ બધાની વ્યાખ્યા આપણે આપણા મનથી કરેલી છે અને આપણું મન આપણા કાબૂમાં નથી તો આપણે કરેલી વ્યાખ્યા હશે કેવી, એ એક મોટો સવાલ છે. આપણે ખૂબ સરળ છીએ, પ્રેમાળ છીએ, ઉદાર છીએ અને ખૂબ સારા માણસ છીએ એવા ભ્રમમાં આપણું મન અને અહંકાર મસ્ત રાખીએ છીએ અને અંધારામાંથી અંજવાળા તરફની ગતિને રોકીએ છીએ. આપણે ખૂબ સારા જ છીએ પણ ક્યાં સુધી? જ્યાં સુધી કોઈ આપણને ગમે એવી વાત કે વર્તન ન કરે ત્યાં સુધી. ટૂંકમાં, આપણે સ્વાર્થી છીએ અને પોતાની જાતને છેતરવામાં એક્સપર્ટ છીએ. હવે કરો અભ્યાસ સ્વયંનો…
Scroll to Top