શંકા

વહેલી સવારે ફેઈસબુક, વોટ્સએપ અને અન્ય ઘણી બધી એપ્લિકેશનોમાંથી સારા સારા વિચારો કરોડો લોકો આપ લે કરે છે. જો તે વિચારો બધા લોકો પોતાના જીવનમાં એક સાથે અમલમાં મૂકે તો ગણતરીના દિવસોમાં જ ભારતદેશ મહાસત્તા બની જાય. પણ વાસ્તવિકતા એ છે કે, દરેક વ્યક્તિ બીજાને જ સુધારવા માંગે છે અને પોતે એમ સમજે છે કે હું તો બરાબર છું. 

વિચારોની દુનિયામાં પાગલ થઈ કાલ્પનામાં બધાને જીવવું છે. તેનું એક ઉદાહરણ; અત્યારે પ્રેમમાં છોકરી છોકરાને પહેલા પૂછે કે, ‘તું મને પ્રેમ કરીશને?’

થોડા દિવસ પછી છોકરો કહે, ‘આપણે હવે નહીં મળીએ.’ 

ત્યારે છોકરી કહે, ‘આર યુ સ્યોર?’ જાણે કોઈ બિઝનેસ ડીલ ન હોય! આ છે અત્યાર ના પ્રેમનો માહોલ જેમાં શરૂઆતથી અંત સુધી ગુમાવવાનો ડર છે અને વાતવાતમાં શંકા જાણે કોઈ વસ્તુ સાથે સબંધ જોડ્યો હોય! 

યાદ રાખજો; સબંધ ભાવ વગર ટકવો શક્ય નથી અને તેને ટકાવવાનો પાયો વિશ્વાસ અને ધીરજપૂર્વકનું પૂર્ણ સમર્પણ છે અને તે સહનશીલતાથી જન્મે છે. વિચારો અને પસંદગી મળવાથી સબંધ ચોક્કસ બને છે, પણ સબંધ ટકે છે ત્યારે જ કે જયારે એકબીજાના જીવ મળે.

અને હા, આવા ડાગલાં જ્યારથી આવ્યાં ને ત્યારથી શબ્દો ભાવથી નીકળતા જ બંધ થઈ ગયા છે. જ્યારથી લાગણીની ભાષા શોર્ટકટ થઈ એટલે એકને બીજા પ્રત્યે લાગણી કટ થઈ ગઈ. વ્યક્તિને જ્યાં સુધી કાલ્પનિક દુનિયા અને વાસ્તવિક દુનિયાનો ભેદ નહીં સમજાય ત્યાં સુધી બીજાને તો દૂર પોતાની જાત પણ નહીં ઓળખી શકે. આ છે ખરી ઓળખ. અને છતાં આપણે બધાને ઓળખીએ છીએ એવો દાવો કરીએ છીએ એનાથી વધુ કાલ્પનિક શું હોય?

દુનિયામાં બધાંની ફિગરપ્રિન્ટ સરખી નથી તો સ્વભાવ સરખો કેવી રીતે હોઈ શકે? 

વાત જુદી, ભાત જુદી, દરેક મલકના માણસની પ્રકૃતિ જુદી, પણ બધા જીવમાં એક સરખો હોય તો એ છે ભાવ. શબ્દો અને સ્વભાવથી ઉપર ઊઠીને વ્યક્તિના ભાવને સમજવાની કોશિશથી જ સંબંધોને પાણી મળે છે એટલે તો ઓળખવાવાળા કલાકમાં ઓળખી જાય છે અને નથી ઓળખતા એ વરસો સાથે હોય છતાં પણ ઓળખી નથી શકતા. હવે ખાસ પ્રશ્ન લોકોનો કે મારો ભાવ સાચો હતો. આ દાવો કરો ત્યારે પણ ચકાસી લેવું કે કોઈ ભૂલ સમયે આપણી રીત તો યોગ્ય હતી અને અગર નથી ભૂલ આપણી જ છે જેમ એન્જિન અને બોડી બંને ભેગાં થાય ત્યારે ગાડીની કિંમત ગણાય એવી જ રીતે ભાવ અને રીતથી જ કોઈ થયેલું કાર્ય, વાત કે વર્તન યોગ્ય અને શ્રેષ્ઠ ગણાય.