જેણે જેણે ઠોકર ખાધી હોય તે એક વાર વાંચજો.
ઠોકર ખાવી તે ઠોકર નથી. ઠોકર લાગ્યા પછી તેમાંથી કંઈ શીખવું નહીં, પણ માત્ર અફસોસ કરવો તે મોટી ઠોકર છે. ઠોકર ખાઈને પડી ગયાં પછી દુઃખી થવાથી કે અફસોસ કરવાથી એ સાબિત થાય છે કે, પડ્યાં પછી તમે ફરી ઊભા નહીં થઈ શકો. આ વિચારધારાથી જ આત્મવિશ્વાસ તૂટે છે.
હવે ઊંડાણની વાત;
તે વિચાર જન્મે છે ત્યારે, કે જ્યારે આપણે માત્ર બીજાના સહારે ઊભા થયા હોઈએ અને એ સહારો છૂટી ગયો હોય તો કદાચ ફરી આપણે ઊભા નહીં થઈ શકીએ, એટલે આપણે અંદરથી તૂટીએ છીએ. અગત્યનું એ છે કે, બીજાનો તમે ટેકો ચોક્કસ લેજો, પણ આળસમાં અને પ્રામાણિકતા ચૂકીને તમારા પગ તેને ના બનાવજો. જે વ્યક્તિથી જાણતાઅજાણતા આ ભૂલ થઈ છે તે જ અંદરથી ભાંગે છે, બાકી તો જેણે પાયાથી ઇમારત બનાવામાં રાતદિવસ મહેનત કરી છે તે ઇમારત પડવાથી દુઃખ નથી થતું, ઊલટાનો તેને આનંદ હોય છે, કેમ કે તેની પાસે તેની સફળતા અને નિષ્ફળતા બંનેનાં રહસ્યો હોય છે.
દોસ્તો, જીવનનો એક ખોટો નિર્ણય જીવન ખરાબ કરી શકે છે, એટલે જો સપનાંઓ મોટાં હોય તો કામ કરવાની તૈયારી રાખો અને કામ કરવાની તૈયારી ન હોય તો બીજાના ખંભે બંદૂક ફોડવાનો કોઈ મતલબ નથી, કારણ કે તેમાં અવાજ ચોક્કસ આવે છે પણ ગોળીઓની દિશાઓ ખોટી હોય છે. સફળતાનાં રહસ્યો પ્રમાણિક ઠોકરોમાં છે અને આ સમજણથી માણસ એક દિવસ એવી ઊંચાઈ પણ પહોંચે છે જે ઊંચાઈનું અભિમાન પણ નથી રહેતું અને પડવાની બીક પણ નહીં. એટલે ઘણી વાર હું કહું છું કે-
મરદ ઉદાર અલગારી અમે તો ભાંગ ના હેવાયા, માયકાંગલી બાદશાહી અમને નહીં ફાવે.
માણસાઈનો કલર એક હોય છે, તું તારે થા મોટો માણસ, અમને રંગબેરંગી થવાનું નહીં ફાવે.
ઠંડીમાં ઠુઠવાઈને મરી જઈશું પણ કોઈના દિલમાં આગ લગાડી તાપણું કરવાનું અમને નહીં ફાવે.
કરોડોની બેન્ક બેલેન્સ હોય, એક કરોડ લોકો ચાહનારા હોય અને તમારો અંતરાત્મા રાજી ન હોય ત્યાં બધું ધૂળ છે, પછી બહાર નાટક કરવામાં જીવન પસાર થાય છે આ છે વાસ્તવિકતા.