પૈસાથી હેસિયત બદલાય, સાહેબ! ઔકાત નહીં. જરૂરી નથી કે, બધા અમીરો અમીર હોય અને બધા ગરીબો ગરીબ હોય. ટૂંકા જીવના અમીરો મારા માટે ભિખારી છે અને મોટા મનના ગરીબોથી મોટો કોઈ અમીર નથી.
સુરતના એક સારા વિસ્તારમાં એક નાની ઝૂંપડપટ્ટી હતી. તેનો વિરોધ મોટી મોટી બિલ્ડીંગોના સભ્યોએ જીવવું હરામ થઈ જાય તેમ કર્યો હતો અને થોડા સમય બાદ ૨૬મી જાન્યુઆરીના ધરતીકંપમાં તે મોટા માણસોની માબહેનો અને પરિવારોને તે ઝૂંપડપટ્ટીવાળાઓએ આશરો આપ્યો હતો અને જમવાનું બનાવી જમાડ્યાં પણ હતાં. પૂર આવ્યું ત્યારે મેં ક્યાંય સાંભળ્યું નથી કે કોઈ મોટા ટાવરમાં ઝૂંપરપટ્ટીવાળાને કોઈએ સાચવ્યા હોય.
શરીરમાં થોડી હવા વધે તેને એસિડિટી કહેવાય તે હવા બહાર ન નીકળે ત્યાં સુધી ક્યાંય મન નથી લાગતું તો જીવનમાં હવા રાખવાથી તેનું પરિણામ શું આવે? ચાણક્ય કહે છે કે, વ્યક્તિ હોય, સમાજ હોય કે પછી રાષ્ટ્ર હોય, પણ જે માણસ સારા વ્યક્તિને રહેવાની જગ્યા આપતો નથી અને આંગણે આવેલ ભૂખ્યાને જમાડતો નથી અને આવેલા મહેમાનોની પહેલાં જમી લે છે તેનું પતન નક્કી છે. એ કોઈ રોકી શકતું નથી અને મારી અંગત સલાહ કે, આવા પ્રકારની વ્યક્તિઓની આજુબાજુમાં રહેવાથી આપણું અને આપણા પરિવારનું મન સંકુચિત થાય છે, માટે જાણ થાય કે મનથી ભિખારીઓ હોય તે ભલે સમાજની દૃષ્ટિએ ઈજ્જતદાર ગણાતા હોય તો પણ ત્યાંથી નીકળી જવું.
સમુદાયમાં રહેવું તે એક સારી વ્યવસ્થા છે પણ ભેદભાવ કરી અન્ય સમુદાય નીચ કક્ષાના જોવાથી એ સાબિત થાય છે કે, જોનાર વ્યક્તિ નીચ છે, કારણ કે ભારતીય સંસ્કૃતિની વિચારધારા ‘વસુધૈવ કુટુંબકમ્’ની છે. વિશ્વને પરિવાર માને છે.
યાદ રાખજો, આપણી પાસે શું છે તેનાથી મતલબ નથી, પણ આપણે ખરા સમયે શું કરી શકીએ છીએ તે મહત્વનું છે.